લેવા પાટીદાર સમાજ પરાપૂર્વથી કૃષિના વ્યવસાય સાથે સંકળાયેલ છે,વર્ષો પહેલાં જમીનદારોના ત્રાસથી પોતાના પૂર્વજોની ભૂમિ છોડીને કચ્છમાં સ્થાયી થયેલો આ સમાજ પાટણ તથા ઉ.ગુજરાત તરફથી આગળ વધીને પાટણ જીલ્લાના પીપરાળા થી લઇને કચ્છના અંજાર તાલુકાના દૂધઇ સુધીમાં આવીને રહયો.આજે આ સમાજ ૬૪ થી પણ વધારે ગામોમાં સ્થાયી થયો છે,વ્યવસાય અર્થે મુંબઇ તરફ વળેલો આ સમાજ આજે આર્થિક રીતે સુસમૃધ્ધ બન્યો છે.આવો,આ સમાજના વિકાસમાં ફાળો આ સમાજની ધ્વારા સ્થાપિત સંસ્થા તથા તેના ઈતિહાસ વિશે જાણીએ.

અતીતમાં ડોકિયુ :

 પ્રસ્તાવનામાં જોયું તેમ આ સમાજ પહેલેથી જ મહેનતુ ગણાતો,આ સમાજનું શોષણ કરનારા બીજું કોઇ નહીં પણ ભણેલા ગણેલા ‌વ્યાપારીઓ ગણાતા માણસો હતા,આનું એક મહત્વનું કારણ એ હતું કે આ સમાજ મોટેભાગે નિરક્ષર હતો,સમાજમાં ગણ્યા ગાંઠયા લોકો જ અક્ષરજ્ઞાન ધરાવતાં હતાં,આવા લોકો કુદરત આધારિત ખેતીનો રોજગાર છોડી અનય ધંધાર્થે મુંબઇ તરફ વળ્યાં અને ત્યાં જઇ પોતાની મહેનતથી કમાઇ સારો એવો ધંધો જમાવ્યો,આર્થિક મજબૂતી પ્રાપ્ત કરી લીધી.આટલેથી ન અટકતાં પોતાના સમાજના બાંધવો અક્ષરજ્ઞાન મેળવતાં થાય તે માટે તેમણે સમાજની આવનારી પેઢી શિક્ષણ મેળવીને આવે તે માટે બોર્ડિંગ શાળા બનાવવાની વિચારણા કરી,એ દીર્ધટ્રષ્ટા સમાજના આગેવાનોએ આ ભગીરથ કાર્ય ઉપાડયું,ઘણી મહેનત માંગી લે તેવું કાર્ય તેમના અથાગ પ્રયત્નોથી સફળ થયું અને એક એવી સંસ્થા શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ ભચાઉ ખાતે બનાવવાનું નકકી કરવામાં આવ્યુ.એક ટસ્ટ બનાવવામાં આવ્યં જે આ સંસ્થાનો વહિવટ કરશે તેમ નકકી કરવામાં આવ્યું,આ ટસ્ટ રજિસ્ટર્ડ નં.એ—૧૦૫૭(કચ્છ) થી રજીસ્ટર કરવામાં આવ્યું.

સંસ્થાની સ્થાપના :

આ સંસ્થાની સ્થાપના ૧૫ મી ઓગષ્ટ ૧૯૬૪ ના રોજ જન્માષ્ટમી તથા સ્વાતંય દિન જેવા પવિત્ર દિવસે કરવામાં આવી,સૌ પ્રથમ આ સંસ્થાના વિધાર્થીઓ માટે ગામમાં એક ભાડાના મકાનમાં સંસ્થાની શરુઆત કરવામાં આવી,પ્રથમ જ વર્ષે ૧૮ વિધાર્થીઓથી આ સંસ્થાની શરુઆત થઇ. ત્યારબાદ આ સંસ્થાની દિવસો દિવસ ઉત્તરોત્તર પ્રગતિ થતી ગઇ, ઇ.સ.૧૯૬૭ માં સંસ્થાએ ભચાઉ શહેરની પશ્વિમ—વાયવ્ય દિશાએ દાતાશ્રી તરફથી મળેલ ભૂમિ પર પાંચ નળિયાવાળા રુમ તથા વહિવટ માટે ઓફિસ બનાવી,આજે આ સંસ્થામાં ૭૦૦ થી પણ વધુ વિધાર્થીઓ અહીં સંસ્થાના વિશાળ પ્રાંગણમાં શિસ્ત,સંસ્કાર તથા શિક્ષણના પાઠ શીખી રહયાં છે.આવો,આ સંસ્થાની પ્રગતિ વિશે વિહગાવલોકન કરીએ.